પૉટીની તાલીમ માટેની માર્ગદર્શિકા
તમારા બાળકને પૉટીની તાલીમ ક્યારે અને કેવી રીતે આપવી તે અંગે સરકાર દ્વારા સમર્થિત નવી માર્ગદર્શિકા
પૉટીની તાલીમ એ તમારા બાળકના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમે સમજીએ છીએ કે બધા બાળકો તેમની પોતાની ગતિએ વિકાસ પામે છે પરંતુ સંશોધન દર્શાવે છે કે ફરીથી ઉપયોગ કરી શકાય તેવી નેપી, પહેરી શકાય તેવી નેપી અને ટ્રેઈનિંગ પેન્ટ સહિત નેપીનો ઉપયોગ અટકાવી દેવો તે 18 અને 30 મહિનાની વચ્ચેના તમારા બાળકના આંતરડા અને મૂત્રાશયના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.
શાળામાં પ્રવેશના પહેલા વર્ષ કરતાં બહુ અગાઉથી બાળકો નેપીનો ઉપયોગ બંધ કરી દે તે ખરેખર મહત્ત્વપૂર્ણ છે. આમાં માત્ર મૂત્રાશય અથવા આંતરડાની સ્થિતિ જેવી નિદાન થયેલી તબીબી જરૂરિયાત ધરાવતા બાળકો જ અપવાદ હોવા જોઈએ.
નેપીનો ઉપયોગ બંધ કરવાને કારણે બાળકોને આત્મવિશ્વાસ ધરાવતા હોવાનું, તંદુરસ્ત હોવાનું અને જૂથનો એક ભાગ હોવાનું અનુભવવામાં મદદ તો મળે જ છે, ઉપરાંત તેનો એવો અર્થ પણ થાય છે કે શિક્ષકો શીખવવામાં અને બાળકોને અન્ય રીતે વિકાસ પામવામાં સહાય કરવા માટે વધારે સમય વિતાવી શકે છે.
શું તમે જાણો છો?
મને કેવી રીતે ખબર પડે કે મારે ક્યારે શરૂ કરવું?
વિશેષ જરૂરિયાતો અને વિકલાંગતા (SEND) ધરાવતા બાળકો સહિત લગભગ બધા બાળકો યોગ્ય સહાયતા સાથે સ્વચ્છ અને સૂકા રહેવાનું શીખી શકે છે. સંવેદનાત્મક અનુભવો ધરાવતા બાળકોને વધારાના સમય અને સહાયની જરૂર પડી શકે છે.
પૉટીની તાલીમને એક ઘટના તરીકે નહીં પરંતુ એક પ્રક્રિયા તરીકે જોવી જોઈએ. તે સમયની સાથે થાય છે અને બાળકો સ્વતંત્ર રીતે બેસી શકતા હોય પછી પૉટી અથવા ટોઈલેટ પર બેસવાની પ્રેક્ટિસ કરી શકે છે.
સંશોધન દર્શાવે છે કે 18 અને 30 મહિનાની વચ્ચે નેપીનો ઉપયોગ અટકાવી દેવો તે બાળકના આંતરડા અને મૂત્રાશયના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તમારા શિશુ અથવા બાળક SEND ધરાવતા હોય તો પણ ટોઈલેટની તાલીમ આપવા માટે તમારે રાહ જોવાની જરૂર નથી.
ટોઈલેટની તાલીમ કૌશલ્યો શીખવા વિશે છે અને તેને વધારાની મદદ અને/અથવા સ્પષ્ટ રોજિંદા ક્રમ દ્વારા શીખવી શકાય છે. તમે જેટલી વધારે રાહ જુઓ, તેટલું જ તમારા બાળક માટે નવો રોજિંદો ક્રમ શીખવો અને નેપી વગર આત્મવિશ્વાસ અનુભવવો વધારે અઘરું બની શકે છે.
કેટલાક બાળકો એવા સંકેતો બતાવે છે કે હવે નેપીનો ઉપયોગ કરવાનું બંધ કરવાનો સાચો સમય આવી ગયો છે. દાખલા તરીકે તેઓ ક્યારે પેશાબ કરી રહ્યાં છે તે જાણતા હોઈ શકે છે અને તેઓ પેશાબ કરી રહ્યાં હોય ત્યારે તમને જણાવી શકે છે અને બે વાર પેશાબ કરવા વચ્ચેનું અંતર ઓછામાં ઓછો એક કલાક હશે. પરંતુ કેટલાક બાળકો સ્પષ્ટ સંકેતો બતાવશે નહીં અને મોટાભાગના બાળકો નેપી પહેવાનું બંધ કરવાનું ક્યારેય નહીં કહે, ખાસ કરીને જો તેઓ તેમને સૂકા રાખવા માટે તૈયાર કરવામાં આવેલી ડિસ્પોઝેબલ નેપી અથવા પહેરી શકાય તેવી નેપી પહેરતા હોય.
સુનિશ્ચિત કરો કે તમારા બાળકને કબજિયાત ન હોય – તેમને નિયમિતપણે પોચો ઝાડો થતો હોવો જોઈએ (ઓછામાં ઓછું એકાંતરે દિવસે). જો તમને લાગતું હોય કે તમારા બાળકને કબજિયાત છે, તો નેપી બંધ કરતા પહેલાં આ બાબતે મદદ મેળવવી મહત્ત્વપૂર્ણ છે.
શું તમે જાણો છો?
તૈયાર કરવા
ઘણાં બાળકો માટે પૉટીનો બિલકુલ ઉપયોગ કર્યા વગર ટોઈલેટનો ઉપયોગ કરવો મદદરૂપ બને છે (યોગ્ય બેઠક, પગથિયાં અને પકડવા માટેના હાથા સાથે). જેને લીધે બાળકને ટોઈલેટ જવા માટે બાથરૂમના વાતાવરણની ટેવ તો પડે જ છે, તે ઉપરાંત તેના પછી પૉટી પરથી ટોઈલેટ પર જવાની જરૂરિયાત દૂર કરીને વધારાનું પગલું કાઢી નાંખવામાં પણ મદદ કરે છે.
પરંતુ પૉટી સાથે શરૂ કરવાનું કે પછી સીધા જ ટોઈલેટમાં લઈ જવાનું પસંદ કરી રહ્યાં હો, તમારા બાળકને નેપી પહેરવાનું બંધ કરવા માટે તૈયાર થવામાં મદદ મળે તે માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. તમારું બાળક મદદ વગર બેસતું થાય કે તરત જ તમે તૈયાર કરવાનું શરૂ કરી શકો છો.
1. તેઓ ભીનું કરે કે બગાડે કે તરત જ નેપી બદલો
જે તમારા બાળકને શીખવે છે કે સ્વચ્છ અને સૂકા રહેવું સ્વાસ્થ્યપ્રદ છે. જો તમે કરી શકતા હો, તો તેઓને પેશાબ અને ટોઈલેટને બાથરૂમ સાથે સાંકળી શકવામાં મદદ મળે તે માટે તેમની નેપી બાથરૂમમાં બદલો.
2. તમારા બાળકને પૉટી અથવા ટોઈલેટ વિશે જણાવો
જેમાં તમે તમારા બાળક પાસે રહેલા પૉટીના શ્રેષ્ઠ પુસ્તકો વાંચીને સંભળાવી શકો છો, તેમની મનપસંદ ઢીંગલી અથવા રમકડાને તેના પર બેસવાનો ‘તેમનો વારો’ આપીને અને પછી તેના પર તેમને પોતાને બેસવા માટે પ્રોત્સાહિત કરીને આવું કરી શકો છો.
3. પૉટી અથવા ટોઈલેટ પર નિયમિતપણે બેસવાની પ્રેક્ટિસ
તેમને એકવાર પૉટી અને ટોઈલેટ વિશે જણાવવામાં આવે પછી શરૂ કરી શકાય છે, જે દિવસમાં ઘણીવાર કરી શકાય છે
4. સ્વાસ્થ્યપ્રદ ભોજન અને પ્રવાહી લેવા માટે પ્રોત્સાહિત કરો
કબજિયાત પૉટીની તાલીમને વધુ અઘરી બનાવી શકે છે તેથી કબજિયાત ટાળવામાં મદદ મળે તે માટે તમારા બાળકને રેસાવાળો (દા.ત. ફળો, શાકભાજી અને બ્રાઉન બ્રેડ) ખોરાક આપો.
5. પુષ્કળ પાણી પીઓ
જે આખા દિવસ દરમિયાન 6-8 વાર પીવામાં આવતું હોય. નક્કર ખોરાક શરૂ કરતી વખતે કપમાં પાણી આપો.
આ ટીમનો સહિયારો પ્રયાસ છે
જો તમારું બાળક નર્સરીમાં, પ્રિ-સ્કૂલમાં, ચાઈલ્ડમાઈન્ડર સાથે હોય અથવા દાદા-દાદી, મિત્રો અથવા અન્ય પરિવાર તેમની દેખરેખ રાખતા હોય, તો તેમની સાથે વાત કરો અને તમારા બાળકની પૉટીની તાલીમ અંગેની યાત્રામાં તમે કઈ રીતે સાથે મળીને કામ કરશો તેની ચર્ચા કરો.
તમે કયા પગલાં લેશો તે બાબતે સહમત થાવ અને તેમને કહો કે તમને અને તમારા બાળકને સહાય કરે. પુષ્કળ પ્રમાણમાં વધારાના કપડાં આપો અને તમારા બાળકને પૉટી અથવા ટોઈલેટની જરૂર પડી શકે તેવું દર્શાવતા તમે જોયેલા સંકેતો વિશે તેમને જણાવો. સાતત્યપૂર્ણ રહેવાથી તમારા બાળકને ઝડપથી શીખવામાં મદદ મળશે.
મારે શેની જરૂર પડશે?
- પૉટી (અથવા એક કરતાં વધુ) અને/અથવા ટોઈલેટ ટ્રેઈનિંગ સીટ અને તેમના પગને ટેકો આપવા માટે એક પગથિયું. પગથિયું એટલું ઊંચું હોવું જોઈએ કે જ્યારે બાળક ટોઈલેટમાં બેઠું હોય ત્યારે બાળકના ઘૂંટણ તેમના થાપા કરતાં ઊંચા રહે.
- પેન્ટ અથવા ફરીથી વાપરી શકાય તેવા કાપડના ટ્રેઈનિંગ પેન્ટ.
મુખ્ય સૂચનો
- બાથરૂમમાં જમીન પર ઊભા રાખીને નેપી બદલો (એકવાર તમારું બાળક સ્વતંત્ર રીતે ઊભું રહેતું થાય) અને તેમને પ્રક્રિયામાં સામેલ કરો (દા.ત. ટોઈલેટને ફ્લશ કરવું, હાથ ધોવા, ટ્રાઉઝર ઉતારવું અને નેપી નીચે ઉતારવી અને પાછી ચઢાવવી).
- નિયમિતપણે નેપી વગર રહેવા દો. તેમણે પેશાબ અને ટોઈલેટ કરી હોય પછી આ અજમાવો, જેથી તેઓ ભીનું કર્યા વિના નેપી વગર રહેવાનો અનુભવ કરી શકે. તેમને સ્વચ્છ અને સૂકા રાખવા માટે અડધો કલાક પછી નેપી પાછી પહેરવામાં તેમને મદદ કરો.
- પેશાબ અને ટોઈલેટ કરવા વિશે વાસ્તવિક રીતે વાત કરો.
- બાથરૂમ તમારા બાળકને આરામદાયક લાગે તેવું બનાવો, ખાસ કરીને જો તમારું બાળક સંવેદનાત્મક પ્રક્રિયા કરવામાં મુશ્કેલીઓ ધરાવતું હોય. દાખલા તરીકે, જો તમારા બાળકને ટોઈલેટના ફ્લશનો અવાજ વધારે પડતો લાગતો હોય, તો બાથરૂમમાં ઇયર ડિફેન્ડર્સનો ઉપયોગ અજમાવો.
- કેટલાક બાળકો ટોઈલેટની વાસ પ્રત્યે સંવેદનશીલ હોય છે. બાથરૂમમાં લવંડર, પિપરમિન્ટ અથવા એર ફ્રેશનર રાખવાનો પ્રયાસ કરો.
- બાથરૂમ જવાના સમયે ઉતારવા વધુ મુશ્કેલ હોય તેવા બટનવાળા ટ્રાઉઝર (દા.ત. જીન્સ) અથવા ટાઇટ્સ સાથેના સ્કર્ટ કરતાં ઉતારવા વધુ સહેલા હોય તેવા કપડાં (દા.ત. જોગર્સ અથવા લેગિંગ્સ) પહેરવા તે ખૂબ સારો વિચાર છે! કેટલાક બાળકો નેપીનો ઉપયોગ બંધ કરે પછી પહેલા થોડા દિવસો સુધી કમરની નીચેના કપડાં પહેર્યા વગર જવાનું પસંદ કરે છે.
નેપી બંધ કરવી
એકવાર તમે તૈયાર હો અને પ્રેક્ટિસ કરી લો, પછી દિવસ દરમિયાન નેપીનો ઉપયોગ બંધ કરવાનો સમય છે. તમારા પરિવાર માટે યોગ્ય હોય, જ્યારે જીવન પ્રમાણમાં શાંત હોય, મોટા ફેરફારો અથવા વિક્ષેપો વિનાનો સમય પસંદ કરો.
જો તમારા બાળકને તેમના આંતરડા અને/અથવા મૂત્રાશયને અસર કરતી સ્વાસ્થ્યની સમસ્યાઓ હોય જેવી કે કબજિયાત અથવા મૂત્રાશયમાં ચેપ, તો નેપીથી છુટકારો મેળવતા પહેલાં તે સમસ્યાઓનું નિરાકરણ લાવો.
તમારા બાળકને જણાવો કે શું થઈ રહ્યું છે
તેમને જણાવો કે તેઓ નેપીનો ઉપયોગ બંધ કરી કરી રહ્યાં છે અને પૉટી અથવા ટોઈલેટનો ઉપયોગ કરવાનો અર્થ શું છે તે સમજાવો.
હવે તેઓ નેપી પહેરતા નહિ હોવાથી, તેમને જવાની જરૂર હોય તેવા સંકેતો પર ધ્યાન આપો અને પછી તેમને પૉટી સુધી લઈ જાઓ:
- તેઓ તમને જણાવે છે કે તેઓ પેશાબ કરી રહ્યાં છે અથવા તેમને પેશાબ કરવો છે.
- તેઓ ભીના કે ગંદા હોય ત્યારે તેઓ જાણે અને તમને જણાવે.
- બેચેન થવું, શાંત પડી જવું, અથવા જોર કરવું (જે ચહેરો ખેંચાતો હોય તેવું દેખાઈ શકે છે).
જ્યારે તમે કોઈ સંકેત જુઓ, ત્યારે તેમને પૉટી અથવા ટોઈલેટ સુધી લઈ જાઓ અને તેમને પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરો. તમારા બાળકને વારંવાર યાદ અપાવવાનો અથવા પૉટીનો ઉપયોગ કરવાની જરૂર છે કે કેમ તે પૂછવાનું ટાળવાનો પ્રયાસ કરો. ખાસ કરીને પૉટીની તાલીમ લઈ રહ્યાં હોય ત્યારે છોકરાઓને પેશાબ કરવા માટે નીચે બેસવા પ્રોત્સાહિત કરો. તે તેમને વધુ આરામ અનુભવવામાં મદદ કરે છે અને જો તેમને ટોઈલેટ જવાની પણ જરૂર હોય, તો તે તેમને જવા માટે પ્રોત્સાહિત કરશે.
જો તમારા બાળકને વાતચીત કરવામાં મદદની જરૂર હોય, તો તમે મેકાટોન ચિહ્નો, ટોઈલેટના ચિત્રો અથવા ફોટોગ્રાફ્સ વગેરેનો ઉપયોગ કરી શકો છો. તમારા બાળકને પૉટી અથવા ટોઈલેટનો ઉપયોગ કરવાનો સમય ઓળખવામાં મદદ કરે તેવું ચિત્ર અથવા ફોટોગ્રાફ પસંદ કરો.
ખૂબ પ્રશંસા કરો અને પ્રોત્સાહન આપો!
દરેક પ્રયાસ અને સફળતાની ઉજવણી કરો, ભલે ગમે તેટલી નાની હોય. પૉટી અથવા ટોઈલેટ પર બેસવા બદલ તમારા બાળકની પ્રશંસા કરો - કોઈપણ વાર પેશાબ થાય કે ટોઈલેટ થાય તે એક બોનસ જેવું છે!
તમારા બાળકને નવા કૌશલ્યો શીખવામાં મદદ કરો
તમારા બાળકને તેમનો પાછળનો ભાગ સાફ કરવાનું, ટોઈલેટ ફ્લશ કરવાનું, તેમના હાથ ધોવાનું અને પોતાનું પેન્ટ પસંદ કરવાનું શીખવો. આ બાબત આત્મવિશ્વાસ અને નિયંત્રણની ભાવનાનું નિર્માણ કરવામાં મદદ કરે છે. બાળકો શાળામાં પહેલું વર્ષ શરૂ કરે ત્યાં સુધીમાં પોતાની જાતે સાફ કરતા થઈ જવા જોઈએ.
સાતત્યપૂર્ણ બનો
એકવાર તમારું બાળક દિવસ દરમિયાન પેન્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરે, પછી સાતત્યપૂર્ણ રહેવાથી તમારા બાળકને ઝડપથી શીખવામાં મદદ મળશે. બાળક માટે અમુક બાબતો ગૂંચવાડાભર્યું ભરેલી હોઈ શકે છે દાખલા તરીકે, બાળક બહાર જાય ત્યારે નેપીનો ઉપયોગ ફરી શરૂ કરે તે બાબત.
મુખ્ય સૂચનો
- નેપી બંધ કરીને પેન્ટ શરૂ કરવાનો ફેરફાર વિચિત્ર લાગી શકે છે. જો તમને લાગે કે તમારા બાળકને આ ફેરફાર પડકારજનક લાગી શકે છે તો વિવિધ આકાર, રંગ, કાપડ અને ફિટિંગના વિકલ્પો રાખો.
- જો તમારા બાળકને લાંબા સમય સુધી પૉટી પર બેસવામાં તકલીફ પડતી હોય, તો તેમની સાથે મળીને ગીત ગાવાનો અથવા નાનું પુસ્તક વાંચવાનો પ્રયાસ કરો. ગીત અથવા પુસ્તક પૂરું ન થાય ત્યાં સુધી તેમને પૉટી અથવા ટોઈલેટ પર બેસી રહેવા માટે પ્રોત્સાહિત કરો.
- અકસ્માતે બગડી જાય ત્યારે શાંત રહો: સાથે મળીને સાફ કરો, તેમને પૉટી અથવા ટોઈલેટ વિશે ધીમેથી યાદ અપાવો, અને આગળ વધો. તેઓ અકસ્માતે બગાડે ત્યારે જો તમે તેમને લડશો નહીં, તો તેઓ બેચેની અને ચિંતા અનુભવશે નહીં, અને આગલી વખતે સફળ થવાની શક્યતા વધુ રહે છે.
- તમે બહાર જાવ ત્યારે તૈયારી રાખો: જો તમે પહેલા થોડા દિવસ સુધી ઘરે રહી શકો તો તમને તે સરળ લાગી શકે છે પરંતુ જ્યારે તમે બહાર જાઓ ત્યારે બદલવા માટેના પુષ્કળ કપડાં લઈ જાવ. તમને ટ્રાવેલ પૉટી અને કારની સીટના ધોઈ શકાય તેવા, શોષી લે તેવા લાઇનર મદદરૂપ થઈ શકે છે.
સુતી વખતે અને રાત્રિના સમયે નેપીનો ઉપયોગ બંધ કરવો
એકવાર તમારું બાળક દિવસ દરમિયાન નેપીનો ઉપયોગ કરવાનું બંધ કરી દે, પછી રાત્રે સૂઈ જવા વિશે વિચાર કરવાનો સમય છે. સુતી વખતે નેપીનો ઉપયોગ નહિ કરવાથી તમારા બાળકને રાત્રે સૂકા રહેવા માટે તૈયાર કરવામાં મદદ મળશે.
રાત્રે સુતા પહેલાં અને જ્યારે તેઓ જાગે ત્યારે ફરીથી તેમને ટોઈલેટ અથવા પૉટીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીને શરૂઆત કરો. તમે જુઓ કે નેપી ઓછામાં ઓછા થોડા સમય સુધી સૂકી રહે છે, ત્યારે સુતી વખતે તેનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરો.
સામાન્ય રીતે બાળકો દિવસ દરમિયાન પૉટી માટે તાલીમબદ્ધ હોય તે પછી રાત્રે સૂકા રહેવાનું બને છે. મોટાભાગના બાળકો 5 વર્ષની ઉંમર સુધીમાં રાત્રે સૂકા રહે છે, પરંતુ કેટલાક બાળકો માટે તેમાં વધુ સમય લાગી શકે છે.
નીચેની રીતે તમારા બાળકને રાત્રે સૂકા રહેવામાં મદદ કરો:
- તેઓ નેપી પહેરીને સૂવાના હોય તો પણ, તેઓ સૂવાના સમયે ટોઈલેટ અથવા પૉટીનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરો.
- સૂવાના સમયના એક કલાક પહેલા પીણાં આપવાનું બંધ કરો.
- દરરોજ એક જ સમયે સૂવાનું રાખો.
- તમારા બાળકને જગાડવાનું અને ટોઈલેટમાં લઈ જવાનું ટાળો કારણ કે આ બાબત તેમને ઊંઘમાં પેશાબ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
જો તમારું બાળક 5 વર્ષની ઉંમર સુધીમાં રાત્રે ભીનું કરવાનું બંધ ન કરે, તો તમારા હેલ્થ વિઝિટર, શાળાની નર્સ અથવા હેલ્થ કેર પ્રોફેશનલ સાથે વાત કરો.
મદદ માટે મારે ક્યાં જવું જોઈએ?
તમે તમારા ચાઇલ્ડમાઇન્ડર, નર્સરી, પ્રિ-સ્કૂલ ટીમ, હેલ્થ વિઝિટર અને ચિલ્ડ્રન્સ સેન્ટર અથવા ફેમિલી હબ પાસેથી મદદ મેળવી શકો છો.
તમે તમારી હેલ્થ વિઝિટર ટીમ સાથેની કોઈપણ વાતચીત દરમિયાન પૉટીની તાલીમ વિશે પૂછી શકો છો. તમે તમારા બાળકની 9-12 મહિનાની સ્વાસ્થ્ય સમીક્ષા વખતે તમારા હેલ્થ વિઝિટર પાસેથી પૉટી ટ્રેઈનિંગ વિશે વાત કરવાની અપેક્ષા રાખી શકો છો.
SEND ધરાવતા બાળકોના પરિવારો માટે હોય તે સહિત, પુષ્કળ પ્રમાણમાં નિષ્ણાત સલાહ ઉપલબ્ધ છે.
ERIC, ચિલ્ડ્રન્સ બોવેલ એન્ડ બ્લેડર ચેરિટીના ક્લિનિશિયનો તરફથી તમામ ઉપયોગી લિંક્સ, સંસાધનો અને ટિપ્સની યાદી માટે અમારા ઉપયોગી લિંક્સ પેજ ની મુલાકાત લો.